શહેરમાં થોડા દિવસ પહેલાં જ ગેમ ઝોનમાં ભભૂકેલી ભીષણ આગમાં અનેક માનવ જિંદગી હોમાઇ ગયાના બનાવ બાદ આગનું નામ પડતાં જ લોકો ફફડી ઊઠે છે. ત્યારે ગુરુવારે હનુમાન મઢી ચોક નજીક સાંજે મુસાફર ભરેલી બસના બોનેટમાં તિખારો થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો, પરંતુ બસચાલકે આગ ભભૂકે તે પહેલાં જ સતર્કતા દાખવી મોટી દુર્ઘટના અટકાવતા રાહતનો શ્વાસ લીધો છે.
ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ બનાવની વિગતો આપતા જણાવ્યું કે, આજે સાંજે સોમનાથ-નખત્રાણા રૂટની જીજે.18ઝેડ.8543 નંબરની બસ રાજકોટ બસપોર્ટથી રવાના થઇ હતી.
બસમાં 25 જેટલા મુસાફરો બેઠા હતા. બસ હનુમાન મઢી પાસે પહોંચતા બસના બોનેટમાં તિખારા ઝરવાનું શરૂ કર્યું હતું. આ તિખારા બસચાલક જોઇ જતા બસમાં આગ ભભૂકે તે પહેલાં જ બસનું એન્જિન બંધ કરી દીધું હતું. બાદમાં બસમાં બેઠેલા તમામ મુસાફરોને નીચે ઉતારી બસનું બોનેટ ખોલ્યું હતું. જોકે, ચાલકની સતર્કતાથી આગ લાગી ન હતી. ત્યાર બાદ બસચાલક, કંડક્ટરે તુરંત બસપોર્ટમાં જાણ કરી હતી. બનાવની પોતાને જાણ કરતા તુરંત અન્ય એક બસની વ્યવસ્થા કરી હનુમાન મઢી રવાના કરી હતી. ત્યાંથી 25 જેટલા મુસાફરને તે બસમાં નખત્રાણા તરફ જવા રવાના કર્યા હતા. જ્યારે બંધ પડેલી બસને ટોઇંગ કરી એસ.ટી.વર્કશોપ લઇ જવાઇ હતી.