સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. ગુરુવારે પીજીવીસીએલના મહિલા કોલેજ સબ ડિવિઝનમાં સ્માર્ટ મીટર ધરાવતા વીજગ્રાહકોએ હંગામો મચાવી દીધો હતો અને પોતાને વીજબિલ પહેલાં કરતા વધુ આવતું હોવાની ફરિયાદ પણ હાજર અધિકારીને કરી હતી. કેટલાક સ્માર્ટ મીટરના વીજગ્રાહકોએ જણાવ્યું હતું કે, તેમને દૈનિક યુનિટનો વપરાશ સ્માર્ટ મીટર લગાવ્યા પછી બમણો થઇ ગયો છે. મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં આશરે 7 હજાર જેટલા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે જેમાં ગુરુવારે કેટલાક ગ્રાહકોએ સ્માર્ટ મીટરની ફરિયાદ કરવા આવ્યા હતા, પરંતુ કચેરીમાં કોઈએ સંતોષકારક જવાબ નહીં આપતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને જૂના મીટર લગાવવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. મહિલા કોલેજ સબ ડિવિઝનમાં યોગ્ય જવાબ નહીં મળતા વીજગ્રાહકો ડિવિઝન ઓફિસે પણ રજૂઆત કરવા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
અશ્વિનભાઈ દેસાઈ નામના વીજગ્રાહકે મહિલા કોલેજ સબ ડિવિઝન અને ડિવિઝન કચેરીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તારીખ 11 મેના રોજ અમારા ફ્લેટમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યું હતું. જેમાં નોર્મલ કરતા વીજ વપરાશ વધુ હોય સ્માર્ટ મીટરને બદલે નોર્મલ મીટર ફિટ કરી આપવા રજૂઆત કરી હતી, પરંતુ બાદમાં આ રજૂઆતનો કોઈ પ્રત્યુત્તર નહીં આપતા ગ્રાહકો રોષે ભરાયા છે. વધુમાં આ ગ્રાહકે જણાવ્યું હતું કે, અગાઉ જૂના મીટરમાં અમારે વીજબિલ બે મહિને વધુમાં વધુ રૂ.1500 આવતું હતું, પરંતુ નવા મીટરમાં પ્રતિદિન યુનિટનો વપરાશ પહેલાં કરતા ડબલ બતાવે છે. વીજકંપનીમાંથી અમને સ્માર્ટ મીટર ચેક કરી દેવા અને સાથે ચેક મીટર લગાવી આપવા કહ્યું હતું, પરંતુ હજુ સુધી કશું કર્યું નથી.