છેલ્લાં 19 વર્ષમાં ગુજરાત રાજ્યમાં જેટલું વિદેશી રોકાણ આવ્યું છે તેનાથી બમણાં કરતાં વધુ રોકાણ છેલ્લાં 4.5 વર્ષમાં જ આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના આંકડાઓ મુજબ એપ્રિલ, 2000થી લઇ સપ્ટેમ્બર, 2019 સુધી ગુજરાતમાં 1.41 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું. જ્યારે ઓક્ટોબર, 2019થી માર્ચ, 2024 સુધી 2.99 લાખ કરોડનું વિદેશી રોકાણ રાજ્યમાં આવ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 3.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે, જે દેશમાં આવેલા કુલ રોકાણના 17% છે. વર્ષ 2023-24માં મહારાષ્ટ્ર (1.25 લાખ કરોડ) બાદ સૌથી વધુ 60 હજાર કરોડનું વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે. જ્યારે દેશમાં કુલ 3.67 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. આ દરમિયાન ભારતમાં સૌથી વધુ 97 હજાર કરોડના વિદેશી રોકાણ સાથે સિંગાપોર મોખરે છે. દેશમાં સૌથી વધુ સર્વિસ સેક્ટર- ફાયનાન્સિયલ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ વગેરે ક્ષેત્રમાં વધુ વિદેશી રોકાણ થાય છે.