ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના પરિવાર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાથે રવિવારે વિશાખાપટ્ટનમ સ્થિત સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા. 2 મિનિટ 36 સેકન્ડના વીડિયોમાં વિરાટ કોહલી મંદિરમાં પૂજા કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સુંદર પણ છે. વિરાટે પરંપરાગત કપ્પસ્થંભમ અલિંગનમ (પવિત્ર સ્તંભને ગળે લગાવવું) વિધિમાં ભાગ લીધો.
મંદિર પ્રશાસને જણાવ્યું કે કોહલી આખા પરિવાર સાથે દર્શન કરવા આવ્યો હતો, પરંતુ ફોટો-વીડિયોમાં ક્યાંય અનુષ્કા અને બાળકો જોવા મળ્યા ન હતા. વિરાટે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં બે સદીની મદદથી 151.00ની એવરેજથી 302 રન બનાવ્યા. વિરાટે ત્રીજી વનડેમાં અણનમ 66 રનની ઇનિંગ રમી. આ મેચ ભારત 9 વિકેટે જીત્યું.
દર્શન કર્યા પછી પૂજારીઓએ નાદસ્વરમના ધ્વનિ સાથે વેદ આશીર્વાદનો પાઠ કર્યો. પૂજારીઓએ ખેલાડીઓને મંદિરના પવિત્ર વસ્ત્રો આપ્યા અને દેવસ્થાનમ તરફથી તેમને ભગવાનનું ચિત્ર અને પ્રસાદ ભેટ આપ્યા.
મે મહિનામાં અયોધ્યા ગયા હતા, રામલલ્લા-હનુમાન ગઢીમાં દર્શન કર્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 25 મેના રોજ અયોધ્યા ગયા હતા. બંનેએ સવારે 7 વાગ્યે રામલલ્લાના દર્શન કર્યા. બંને ગર્ભગૃહમાં લગભગ 10 મિનિટ રહ્યા. જોકે, રામ મંદિરમાં વિરાટ-અનુષ્કાની તસવીરો સામે આવી ન હતી. ત્યારબાદ બંનેએ હનુમાનગઢી મંદિરમાં 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી. પૂજારીએ બંનેને માળા પહેરાવી.