બૂલિયન માર્કેટમાં બે તરફી ટ્રેન્ડ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 50 ડોલર ઘટી 2340 ડોલર અને ચાંદી પાંચ ટકા તૂટી 30 ડોલરની અંદર 29.90 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ ભાવ નજીવી રેન્જમાં અથડાઇ ગયા હતા. ભારતીય રિઝર્વ બેંક છેલ્લા કેટલાક મહિનાઓથી મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે. મે મહિનામાં પણ ભારત વિશ્વમાં સોનાનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ભારતે ગયા મહિને લગભગ 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે. મે 2024માં માત્ર સ્વિટ્ઝર્લેન્ડ અને ચીને ભારત કરતાં વધુ સોનું ખરીદ્યું હતું. છેલ્લા 5 નાણાકીય વર્ષો દરમિયાન, ભારતે તેના ગોલ્ડ રિઝર્વમાં લગભગ 204 ટનનો વધારો કર્યો છે. માર્ચ 2019માં દેશનું ગોલ્ડ રિઝર્વ આશરે 618.2 ટન હતું, જે 31 માર્ચ, 2024ના રોજ 32.98% વધીને 822.1 ટન થયું હતું. સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં લગભગ 70%નો વધારો જોવા મળ્યો છે.
વૈશ્વિક ગોલ્ડ ETFs એ મે મહિનામાં નાણાપ્રવાહમાં વધારો નોંધાવ્યો હતો, જેનાથી તેમની બાર મહિનાની ખોટની સિલસિલો સમાપ્ત થઈ હતી. મે મહિનામાં હોલ્ડિંગમાં 3,088 ટનનો વધારો થયો છે. જો કે હોલ્ડિંગમાં વધારો થયો હોવા છતાં, તે 2023ની સરેરાશ 3,363 ટન કરતાં ઓછો છે, પરંતુ હવે તે વધશે કારણ કે રોકાણકારોનો રસ વધી રહ્યો છે.