તમામ અટકળો વચ્ચે હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બુમરાહની બહાર થવાની માહિતી આપી છે. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બોર્ડની મેડિકલ ટીમે બુમરાહના બહાર થવાની પુષ્ટિ કરી હતી. વર્લ્ડ કપ માટે બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ચાર દિવસ પહેલા પણ બીસીસીઆઈના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું હતું કે બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. પરંતુ આ પછી બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે બુમરાહ હજુ સુધી ટીમમાંથી આઉટ થયો નથી અને વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી જ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.