સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડીથી 235 કોલેજોને પ્રાઈવેટ એકેડમીની ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં રૂ. 500 એન્ટ્રી ફી ભરી વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે કહેવાયું. જ્યારે નિયામકને આ અંગે પૂછવામાં આવ્યું તો પહેલા અજાણ બની ને બાદમાં કલાર્કે કરી દીધો હશે એવું કહીને લૂલો બચાવ કર્યો. હજુ 2 મહિના પહેલા આર્ચરીનુ મેદાન ભાડું લીધા વિના આપી દેવાયાનો વિવાદ અને ઈન્ડોનેશિયાના કોચની ખાનગી વિદ્યાર્થીઓને તાલીમનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદે યુનિવર્સિટી માટે શર્મસાર સ્થિતિ ઊભી કરી દીધી છે.
આ અંગે ઇન્ચાર્જ કુલસચિવનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. કુલસચિવે કહ્યું કે, ખાનગી એકેડેમીની ટુર્નામેન્ટનો ઈ-મેઈલ ન થઈ શકે. જોકે, સમગ્ર હકીકત જાણીને આપને જવાબ આપી શકું.
મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ઓફિશિયલ ઈ-મેઈલ આઇડી પરથી યુનિવર્સિટી સંલગ્ન 235 જેટલી કોલેજોને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતા. આ ઈ-મેઈલમાં સાનવી ચેસ ટુર્નામેન્ટ 2024-25 યોજાવાની છે, જે અંગે વિદ્યાર્થીઓએ જાણ કરવી એવું લખ્યું હતું અને આ ઈવેન્ટની સંપૂર્ણ માહિતી આપતી પીડીએફ પણ અટેચ કરવામાં આવી હતી. આ ઈ-મેઈલનો સ્ક્રિનશોટ પણ સામે આવ્યો છે, જેને જોઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાનગી એકેડમીને પ્રમોટ કરી રહી હોય એવું દ્રશ્ય સર્જાયું છે.