ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જીતની હેટ્રિક ફટકારી છે. ટીમે ઈડન ગાર્ડન્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું હતું. બેટિંગમાં અજિંક્ય રહાણે, ડેવોન કોનવે અને શિવમ દુબે ટીમના હીરો હતા. આ જ બોલિંગમાં તુષાર દેશપાંડે અને મહિષ થિક્સાનાએ 2-2 વિકેટ લીધી હતી.
કોલકાતા તરફથી રિંકુ સિંહ અને જેસન રોયે ફિફ્ટી લગાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ રવિવારે ડબલ હેડરની છેલ્લી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 8 વિકેટે 186 રન જ બનાવી શકી હતી.
236 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરમાં સુનીલ નારાયણ અને બીજી ઓવરમાં નારાયણ જગદીસનની વિકેટ ગુમાવી હતી. વેંકટેશ અય્યર અને નીતીશ રાણાએ ઇનિંગ્સને સંભાળી હતી, પરંતુ ટીમ 6 ઓવરમાં 2 વિકેટે 38 રન જ બનાવી શકી હતી.
IPL 2023માં સૌથી મોટો સ્કોર
ચેન્નાઈએ 20 ઓવરમાં 235 રનનો સ્કોર બનાવ્યો હતો. આ સીઝનનો આ સૌથી મોટો સ્કોર છે. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ તોડ્યો હતો. હૈદરાબાદે કોલકાતા સામે 14 એપ્રિલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં જ 228 રન બનાવ્યા હતા. સીઝનનો ત્રીજો મોટો સ્કોર માત્ર ચેન્નાઈના નામે છે. ટીમે 17 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ સામે 226 રન બનાવ્યા હતા.