વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં મેરીટ ઊંચુ જતા અને બેઠકો ઘટાડવામાં આવતા 5 હજાર જેટલા સ્થાનિક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયા છે. જેને લઇને આજે વડોદરાના કમાટીબાગ ખાતે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ હાજર રહ્યા હતા. આગામી મંગળવારથી આંદોલનના મંડાણ કરવાની રણનીતી ઘડી કાઢવામાં આવી છે.
આ મામલે વિદ્યાર્થિની આલિયા રાણાએ જણાવ્યું હતું કે, ધો.12 કોમર્સમાં મારા 75.53 ટકા છે. મને અડધા ટકા માટે એમ.એસ. યુનિવર્સિટીની એડમિશન મળ્યું નથી. કારણ કે, જનરલ કેટેગરીમાં 75 ટકાએ કટ ઓફ મૂકી દેવામાં આવ્યું છે. અમારી માંગણી છે કે, બેઠકોની સંખ્યા વધારવી જોઇએ. ભૂતકાળમાં કોમર્સ ફેકલ્ટીમાં 9 હજાર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે અને આ વર્ષે સીટો ઘટાડી દેવામાં આવી છે. એમની પાસે બેઠકો હોવા છતાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા નથી.