થોડા દિવસો પહેલાં એક વીડિયોમાં 10 વર્ષની બાળકીને મોંઘી બ્રાન્ડની સ્કિન પ્રોડક્ટ્સનાં વખાણ તેમજ એન્ડોર્સ કરતી બતાવવામાં આવતાં સોશિયલ મીડિયા યુઝર્સ અને એક્સપર્ટે વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે બાળકીઓને આ પ્રોડક્ટની કોઈ જરૂર નથી અને આવનારાં વર્ષોમાં પણ પડશે નહીં. એ જ રીતે હવે મધ્યમ વર્ગમાં ભણતાં બાળકો પણ જીમમાં જોડાવા લાગ્યાં છે. નિષ્ણાતોના મતે આ બ્રેન રોટની સ્થિતિ છે.
બ્રેન રોટ એટલે ડિજિટલ મીડિયાના વધુ પડતા ઉપયોગને લીધે વિચારવાની ક્ષમતામાં ઘટાડો. વાસ્તવમાં જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધુ ઑનલાઇન રહીએ છીએ અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવીએ છીએ ત્યારે આપણે તેને વાસ્તવિક દુનિયા તરીકે સમજવાનું શરૂ કરીએ છીએ. તેમની વાતચીતમાં પણ ઈન્ટરનેટ જગતના વધુ શબ્દો છે. બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડિજિટલ વેલનેસ લેબના વડા ડો. માઈકલ રિચના જણાવ્યા અનુસાર ઈન્ટરનેટ કન્ટેન્ટ મગજમાં એ રીતે સમાવી જાય છે કે લોકો શું બોલે છે તે વાતનું પણ ભાન રહેતું નથી.
આવા ઇન્ટરનેટ કન્ટેન્ટ સાથે સતત જોડાયેલા રહેવાને કારણે તેઓ વાસ્તવિક દુનિયાથી દૂર થઈ જાય છે. સારવાર માટે લેબમાં આવેલા 18 વર્ષીય જોશુઆ રોડ્રિગ્ઝનું કહેવું છે કે પહેલાં તે આખો સમય ફોન પર સ્ક્રોલ કરવામાં અને વીડિયો જોવામાં પસાર કરતો હતો. ભણવામાં પણ મન લાગતું ન હતું. પોતાની જાત પર અંકુશ પણ રહેતો નહીં. સારવાર બાદ હવે તે સોશિયલ મીડિયા પર માત્ર 15 મિનિટ જ વિતાવે છે. વેલનેસ લેબના નિષ્ણાતો બ્રેન રોટને ભારે ગંભીર ગણાવ્યું છે. જે ખાસ બાળકો માટે જોખમી છે. તેમાં યુઝર્સ વિચાર્યા વિના સ્ક્રોલ કરવા અને લાંબા સમય સુધી ગેમિંગ સેશનમાં એટલા બધા ડૂબી જાય છે કે જાણે તેઓ સુન્ન થઈ ગયાં છે. ડૉ. રિચનું કહેવું છે કે આપણો ધ્યેય માતા-પિતા અને બાળકોને વધુ સારી ઑનલાઇન આદતો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે કારણ કે બાળકોને ટેક્નોલોજીથી દૂર રાખવા યોગ્ય નથી. તેનાથી બાળકોની ફોન સાથે કનેક્ટ થવાની ઈચ્છા વધુ વધશે.