ફૂટબૉલના મિની વર્લ્ડ કપ એટલે કે યુરો કપ-2024ની શરૂઆત જર્મનીમાં થઇ ચૂકી છે. આ દરમિયાન 10 અલગ અલગ શહેરોમાં 24 ટીમોની વચ્ચે 51 મેચ હશે. 14 જૂનથી 14 જુલાઇ સુધી આયોજિત આ ટૂર્નામેન્ટમાં આ વખતે મુખ્યત્વે એઆઇ આધારિત લિંબ ટ્રેકિંગ, ચિપવાળો બૉલ, સેમી ઑટોમેટેડ વીએઆર અને બૉલ પર નજર રાખતી હૉક આઇ જેવી ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સ્માર્ટ ટેક્નોલોજીની મદદથી રેફરી વધુ સચોટ નિર્ણય લઇ શકે છે. કેટલીક ઇનોવેટિવ ટેક્નોલોજી વિશે..
VARમાં અધિકારીઓ અલગ-અલગ એન્ગલથી એક્શનનો વીડિયો રિપ્લે જુએ છે જેથી તેઓ ઇનસાઇટ લઇ શકે જે સંભવત: રેફરીની નજરમાં ન હોય. વીએઆર ટીમ મોટા ભાગે ‘મેચ બદલનારી સ્થિતિઓ’ જેમ કે ગોલ, પેનલ્ટી ક્ષેત્રમાં ભૂલ, રેડ કાર્ડ મામલે થયેલી ચૂક પર નજર રાખે છે.
હૉક આઇથી બોલ ગોલ લાઇનને પાર થયો કે નહીં તે જાણવા મળે છે. જે મેદાનોમાં મેચ થાય છે ત્યાં હૉક આઇના 14-14 કેમેરા હોય છે. તેનાથી બોલની સચોટ સ્થિતિ જાણવા મળે છે. સ્નિકોમીટરથી બોલ ટચ થયો કે નહીં તે ખબર પડે છે. રેફરી નિર્ણય માટે મદદ લે છે. ક્રિકેટમાં તેનો પ્રયોગ થતો રહ્યો છે.
સ્ટેડિયમમાં લાગેલા કેમેરા ફૂટબોલર્સના શરીરની તમામ મૂવમેન્ટને ટ્રેક કરે છે. કેમેરા દરેક ખેલાડીના શરીરના 29 પોઇન્ટ્સ પર નજર રાખે છે અને પ્રતિ સેકન્ડ 50 વાર ડેટા એકત્ર કરે છે. જેથી ઑફસાઇડ છે કે નહીં તે ખબર પડે. તે વીએઆરને એલર્ટ મોકલે છે. જે પારખીને કન્ફર્મ કરે છે.