દેશમાં જુલાઇ દરમિયાન શાકભાજીની કિંમતોમાં ભારે તેજીને પગલે ફુગાવો ફરીથી RBIના 6%ના નિર્ધારિત લક્ષ્યાંકને આંબી જશે તેવી શક્યતા જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારે ચાલુ સપ્તાહની શરૂઆતમાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે હવે સરકાર સતત વધતી કિંમતોને અંકુશમાં કરવા માટે સપ્લાય સાઇડ તરફ વધુ પગલાં લે તેવી શક્યતા છે.
ગત વર્ષે સતત ત્રણ ક્વાર્ટર સુધી ફુગાવો RBIના નિર્ધારિત 6%ના લક્ષ્યાંકથી ઉપર રહ્યો હતો. ફુગાવો વધુ રહેવાને કારણે RBIએ નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ફુગાવો વધુ રહેતા સરકારને તેનું કારણ આપવાની ફરજ પડી હતી. RBIએ ફુગાવાને અંકુશમાં લેવા માટે રેપોરેટમાં મે 2022થી સતત વધારો કરવાનું ચાલુ કર્યું હતું. રેપોરેટમાં કુલ 2.50% સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં RBIએ ગ્રોથ પર ફોકસ કરવા માટે રેપોરેટને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો અને અનેક નિષ્ણાતોના મતે RBI વ્યાજદરમાં કાપ મૂકતા પહેલા લાંબા સમય સુધી વ્યાજદરો યથાવત્ રાખે તેવી શક્યતા છે. જૂનમાં CPI ફુગાવો વધીને 4.81% રહ્યો હતો જે મેમાં 4.31% હતો. ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારાને કારણે CPI ફુગાવો વધ્યો હતો. સરકારે સપ્ટેમ્બર દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ પર 20% ટેક્સ લાગૂ કર્યો હતો. ચોખાની 42% નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે ચોખાની નિકાસમાં ભારતનો 40% હિસ્સો
વૈશ્વિક સ્તરે ચોખાની નિકાસમાં ભારત 40% હિસ્સો ધરાવે છે અને નિકાસ પર પ્રતિબંધથી વૈશ્વિક કિંમતો પર તેનો પ્રભાવ પડશે. ભારતના પગલાંથી થાઇલેન્ડને ફાયદો થઇ શકે છે કારણ કે દક્ષિણ પૂર્વ એશિયન દેશ મુખ્ય નિકાસકાર છે. ચોખાની આયાત કરતા દેશોમાં ફિલિપાઇન્સ, સિંગાપુર, હોંગકોંગ અને મલેશિયા સામેલ છે. ભારતના પગલાને કારણે આ દેશો પર પણ અસર થઇ શકે છે. આગામી સમયમાં જો કે કેટલાક વૈશ્વિક પરિબળોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે તો મોંઘવારીને લઇને સ્થિતિ બદલાઇ શકે છે.