જેઠ મહિનાના સુદ પક્ષની તેરસથી પૂનમ સુધી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે, આ વર્ષે 20 જૂન એટલે કે આજથી શરૂ થશે અને 22 જૂનના રોજ પૂર્ણ થશે. હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના થોડા ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો થોડા ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. પરંતુ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમા જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે.
જેઠ મહિનામા આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતના એક દિવસ પહેલાં મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શ્રૃંગારની તૈયારી કરે છે. આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે. વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે. તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધાપ્રમાણે થોડી મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સુતરના દોરો લપેટે છે.મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે.
આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રતાપથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી.