દેશમાં આગામી કેટલાક મહિનાઓ દરમિયાન હ્યુંડાઇની સાથે સાથે 6 અન્ય મલ્ટિ નેશનલ કંપનીઓના શેર્સ ખરીદવાની તક મળી શકે છે. હ્યુંડાઇ મોટરના ભારતીય યુનિટને શેરમાર્કેટમાં લિસ્ટ કરવાની યોજનાએ અનેક અન્ય MNC કંપનીઓને પણ આઇપીઓ લાવવા માટે પ્રેરિત કરી છે. તેમાં એલજી, નાયરા એનર્જી, સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ, આર્સેલર મિત્તલ નિપ્પન અને ટોયોટા કિર્લોસ્કર મોટર સામેલ છે. નજીકના દિવસોમાં જ પ્રાઇમરી માર્કેટમાં દરરોજ 5 થી વધુ આઇપીઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઇક્વિટી માર્કેટની મજબૂત સ્થિતીના કારણે આગામી ત્રણ-ચાર મહિનામાં 30-35 કંપનીઓ આઇપીઓ યોજી રહ્યાં છે. આ કંપનીઓ બજારમાંથી સરેરાશ રૂ.55,000 કરોડનું જંગી ભંડોળ એકત્ર કરી શકે છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીઓ અનુસાર, અંદાજે અડધી ડઝન એમએનસી કંપનીઓ પોતાના ભારતીય એકમને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માટેની યોજના બનાવી રહી છે. હ્યુંડાઇ મોટર ઇન્ડિયાએ ગત સપ્તાહે આઇપીઓ લાવવા માટે માર્કેટ નિયામક સેબી પાસે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ જમા કરાવ્યા છે. તેની મારફતે કંપની 17.5% હિસ્સો વેચવા માંગે છે. આ આઇપીઓ અંદાજે રૂ.25,000 કરોડનો હશે. તેના હિસાબથી તે ભારતીય શેરમાર્કેટનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે.