જમ્મુ -કાશ્મીરમાં આ વર્ષે 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની શરૂઆત પહેલાં જમ્મુ બેઝ કેમ્પ અને તેની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સુરક્ષા શાખાને તેની વ્યવસ્થા સોંપાઇ છે. જમ્મુમાં વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થઇ રહી છે.
યાત્રાનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાદળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. અમરનાથ ગુફા 3,880 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ વખતે અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ યાત્રા અનંતનાગ જિલ્લામાં 48 કિલોમીટર લાંબા નુનવાં-પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લામાં 14 કિલોમીટર નાના પરંતુ વધુ ચઢાણવાળા બાલટાલ માર્ગ મારફતે કરાશે.
જમ્મુના વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિનોદકુમારે કહ્યું કે યાત્રા માટે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જમ્મુના ભગવતી નગર વિસ્તારમાં આવેલા આધાર શિબિર માટે ત્રિસ્તરીય સુરક્ષા ઉપાય કરાયા છે.
જમ્મુ શહેર સ્થિત હાઉસિંગ એન્ડ રજિસ્ટ્રેશન સેન્ટર પર પણ સુરક્ષા વ્યવસ્થાન સઘન કરાઇ છે. પોલીસે રાજમાર્ગ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે જ્યાંથી રોજ યાત્રાળુઓ નીકળશે. અધિકારી અનુસાર રાજમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે અને સુરક્ષાદળોને પણ તહેનાત કરાયા છે.