ગુજરાતથી નોકરી-ધંધા અર્થે વિદેશમાં વસેલા અનેક લોકો પર અવારનવાર હત્યા તેમજ હુમલાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવાર અમેરિકાના ઓકલાહોમા સિટીમાં મૂળ નવસારીના રહેવાસી આધેડને અજાણ્યા યુવાને મુક્કો મારી દેતાં મોટેલના માલિક હેમંત મિસ્ત્રી રોડ પર જ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું બ્રેઈન હેમરેજના કારણે મોત નીપજ્યું છે. ઘટનાની જાણ ભારતમાં રહેતા પરિવારને થતાં તેઓ શોકમાં ગરકાવ થયા છે.
નવસારીના બીલીમોરાના મૂળ રહેવાસી અને અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં વર્ષોથી મોટેલનો બિઝનેસ ધરાવતા હેમંત મિસ્ત્રી પરિવાર સાથે ત્યાં સેટલ થયા છે. 120 રૂમની મોટેલ ધરાવતા હેમંત મિસ્ત્રીના મોટેલના પરિસરમાં શનિવાર રાત્રે 10:30ની આજુબાજુ એક અજાણ્યા યુવાને આવીને પોતાનો સામાન મૂકી દીધો હતો. જેથી હેમંતભાઈએ આ યુવાનને પોતાની જગ્યાએથી જતા રહેવાની સૂચના આપી હતી. એમાં તેમની વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી. આ બોલાચાલી દરમિયાન અજાણ્યા યુવાને હેમંત મિસ્ત્રીને મુક્કો મારી દેતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઇજા થતાં પરિવારજન દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અડધો કલાકમાં ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા.