શહેરની ભાગોળે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પાઇપ બનાવવાના કારખાનામાં કામ કરતાં અને કારખાનાની જ ઓરડીમાં રહેતા બિહારના રમણ બિરબલભાઇ પાસવાને (ઉ.વ.21) ઓરડીમાં પંખા સાથે ગમછો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. યુવકના આપઘાતની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રમણ બે ભાઇમાં નાનો હતો, અને તેેના મોટાભાઇ સાથે ઉપરોક્ત કારખાનામાં કામ કરતો હતો, રમણને બિહારમાં એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને એ યુવતી સાથે તે લગ્ન કરવાના સ્વપ્ન જોતો હતો, પરંતુ પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને આ અંગેની જાણ થતાં રમણે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.