વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે અમારી સરકાર ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ કરશે. હું તમને ખાતરી આપું છું કે હવે ઈરાદા મજબૂત છે અને દેશના દરેક નાગરિકની જેમ સરકાર પણ આશા અને વિશ્વાસથી ભરેલી છે.
PMએ વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા માત્ર 35% વૃદ્ધિ પામી છે, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા એ જ સમયગાળામાં લગભગ 90% વૃદ્ધિ પામી છે. આ એક ટકાઉ વિકાસ છે જે આપણા દેશે હાંસલ કર્યો છે. તે આગળ વધવાનું ચાલુ રાખશે. અમારો મંત્ર સતત સુધારો, પ્રદર્શન અને બદલાવનો રહ્યો છે. દેશની ઉપલબ્ધિઓ જોઈને આપણા દેશની જનતા પણ હવે આત્મવિશ્વાસથી ભરેલી છે.
પીએમ મોદીએ કહ્યું કે 100 દિવસ પણ નથી પૂરા થયા, અમે ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં વ્યસ્ત છીએ. અમે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે સતત સુધારાને આગળ ધપાવી રહ્યા છીએ. છેલ્લા ત્રણ મહિનામાં અમે ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે એક પછી એક મોટા નિર્ણયો લીધા છે. અમે ગરીબો માટે ત્રણ કરોડ નવા મકાનો મંજૂર કર્યા છે.