સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વખત ઉનાળામાં વિદ્યાર્થી ખેલાડીઓ માટે નિઃશુલ્ક સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં 7 રમતોની એક્સપર્ટ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામા આવશે. 26 મેથી 1 જૂન સુધી યોજાનારા કેમ્પ માટે 19 મે સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે. જે માટે અત્યારસુધીમાં 40થી વધુ અરજીઓ આવી ચૂકી છે. યુનિવર્સિટીના ભવનો અને કોલેજના વિદ્યાર્થીઓ આ સમર કોચિંગ કેમ્પમાં નિ:શુલ્ક તાલીમ મેળવી શકશે.
ખેલકૂદની સ્પર્ધાઓની તાલીમ આપવા પહેલીવાર સમર કોચિંગ કેમ્પનુ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આગામી 26 મેથી1 જૂન સુધી સમર કોચિંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલું છે. જેમાં અલગ-અલગ રમતોમાં વિદ્યાર્થી ભાઈઓ- બહેનોને તાલીમ આપવામાં આવશે. જેમાં બાસ્કેટબોલ, જુડો, બેડમિન્ટન, કુસ્તી, લોન ટેનીસ, કબડ્ડી, એથલેટિક્સ અને ફૂટબોલ જેવી રમતોનુ નિષ્ણાંત કોચ દ્વારા કોચિંગ આપવામા આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે, ઉનાળાના વેકેશન દરમિયાન ભાઈઓ અને બહેનોને ખેલકૂદની સ્પર્ધાઓની તાલીમ આપવા સમર કોચિંગ કેમ્પનુ આયોજન કરવામાં આવશે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં ભાગ લે તે જરૂરી છે.
7 દિવસનાં કોચિંગ કેમ્પ બાદ ખેલાડીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનો અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ આ સમર કોચિંગ કેમ્પમાં વિનામૂલ્યે ભાગ લઈ શકશે. રાજકોટ બહારના એટલે કે બહારગામના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લેવા માટે આવશે તો તેમના માટે અહીંની હોસ્ટેલમાં રહેવાની સુવિધા પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે 7:00થી 9:00 વાગ્યા સુધીનું સેશન રહેશે. જે સેશન બાદ ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. 7 દિવસનાં કોચિંગ કેમ્પ બાદ ખેલાડીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 19 મે સુધી ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. શારીરિક શિક્ષણ વિભાગ અને શારીરિક શિક્ષણના અધ્યાપક પરિવાર દ્વારા આ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હવે દર વર્ષે આ રીતે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન થાય.