સરકારનું કુલ દેવું (જવાબદારી) માર્ચ 2024ના અંત સુધીમાં 3.4% વધીને રૂ.171.78 લાખ કરોડ નોંધાયું છે જે ડિસેમ્બરના અંતે રૂ.166.14 લાખ કરોડ રહ્યું હતું. તેમાં વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 3.4%નો વધારો થયો છે. પબ્લિક ડેટ મેનેજમેન્ટ રિપોર્ટ અનુસાર આ ક્વાર્ટર દરમિયાન કુલ દેવામાં જાહેર દેવાનો હિસ્સો 90.2% હતો.
વચગાળાના બજેટમાં જાહેર કરાયેલી અંદાજિત ઉધાર યોજના ઓછી હોવાને કારણે ભારતીય સ્થાનિક બોન્ડ પર યિલ્ડ નબળી રહી હતી. નાણાકીય વર્ષ 2026 સુધીમાં રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના 4.5% અથવા તેનાથી પણ વધુ નીચે લાવવાનો લક્ષ્યાંક છે. તેના માટે એફપીઆઇ પ્રવાહ જળવાયેલો રહે તેમજ ફુગાવો પણ સ્થિર રહે તે જરૂરી છે.
યુએસમાં ફેડરલ રિઝર્વના નિર્ણયો, ફુગાવો તેમજ રોજગાર ડેટાની અસરને કારણે ક્વાર્ટર દરમિયાન યુએસ ટ્રેઝરી યિલ્ડમાં વોલેટિલિટી જોવા મળી હતી. યુએસમાં 10 વર્ષની યિલ્ડ ક્વાર્ટર દરમિયાન 4.33% સાથે સર્વાધિક સ્તરે નોંધાઇ હતી. વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર દરમિયાન એવરેજ યિલ્ડ ઘટીને 7.19% રહી હતી જે વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન 7.37% હતી.