કર્ણાટકના 81 વર્ષીય પૂર્વ સીએમ યેદિયુરપ્પા પર 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના સંજયનગર સ્થિત તેમના રહેઠાણે 17 વર્ષીય યુવતીના યૌનઉત્પીડનના કેસમાં આરોપપત્ર દાખલ થઈ ગયો છે. 27 જૂને બેંગલુરુની એક અદાલતમાં દાખલ આરોપપત્રમાં સીઆઈડીએ કહ્યું કે સગીરનો ફોન ક્ષતિગ્રસ્ત હોવા છતાં ફોરેન્સિક તકનીકની મદદથી મહત્ત્વપૂર્ણ વીડિયો મેળવી શકાશે. સીઆઈડી દ્વારા દાખલ આરોપપત્ર અનુસાર યેદિયુરપ્પા વિરુદ્ધ યૌનઉત્પીડન કેસમાં સગીર પીડિતા દ્વારા લેવાયેલા વીડિયો રેકોર્ડિંગ મહત્ત્વપૂર્ણ પુરાવો છે.
પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ સગીર યુવતી સાથે કથિત રીતે ત્યારે મારપીટ કરી જ્યારે તે અને તેની માતા 2015ના એક અન્ય યૌનઉત્પીડન કેસમાં સહાય માંગવા તેમની પાસે ગયાં હતાં, જેમાં યુવતી અને તેના પિતરાઈ ભાઈ સામેલ હતો. યેદિયુરપ્પા યુવતીને પૂછપરછના બહાને એક રૂમમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરી. યેદિયુરપ્પાના ઘરેથી નીકળ્યા પછી યુવતીએ કોફી શોપમાં તેની માતાને ઘટના વિશે જણાવ્યું. પછી તે યેદિયુરપ્પાના ઘરે તેની સાથે લડવા પાછી ફરી. આ દરમિયાન 17 વર્ષીય યુવતીએ યેદિયુરપ્પાએ થયેલી હાથાપાઈને રેકોર્ડ કરી.
ઘટનાના થોડા દિવસો પછી યેદિયુરપ્પાના એક સહયોગીએ મા અને દીકરીને યેદિયુરપ્પાના ઘરે લઈ જઈને વીડિયોની કોપી માતાના ફોનમાંથી ડીલિટ કરી દીધી. તેને એ વાતની જાણકારી નહોતી કે અસલી વીડિયો યુવતીના ફોનમાં છે, જેને પોલીસે રિકવર કરી લીધો છે. હવે પોલીસે આ મામલે આગામી તપાસ શરૂ કરી દીધી છે.