રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની એસીબીએ સોમવારે સત્તાવાર રીતે ધરપકડ કરી તેની પાસેથી વધુ 18 કરોડનો ખજાનો જપ્ત કર્યો છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મનસુખ સાગઠિયાને ઈન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી ટીપીઓ તરીકે નિમણૂંક આપવામાં તમામ નીતિ નિયમો નેવે મૂકી મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કૌભાંડ આચર્યુ છે. મનસુખ સાગઠિયાની ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે રીતે કરવામાં આવી તેની તમામ વિગતો સરકારને લેખિતમાં 10 દિવસ પહેલા મળી ગઈ છે આમ છતાં આ અહેવાલ જાહેર શા માટે નથી કરાયો તે પણ સો મણનો સવાલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં મનસુખ સાગઠિયા 01-04-2012થી ઈન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ તેઓને ટીપીઓ તરીકે કાયમી કરવા માટે એક ખેલ શરૂ થયો. આ ભરતીમાં સ્પધર્કો જ ન રહે તે માટે સૌથી પહેલા એવો નિર્ણય લેવાયો હતો કે આ પદ માત્ર ઈનહાઉસ એટલે રાજકોટ મનપાના અધિકારીઓમાંથી ભરતી કરવામાં આવશે.