ફ્રાન્સનાં ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. ફ્રાન્સના ઇતિહાસમાં 66 વર્ષ પછી આવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામ પછી પેરિસ સહિત 10 શહેરમાં રમખાણો ફાટી નીકળ્યાં છે.
અનપેક્ષિત રીતે પહેલા ક્રમે આવેલી લેફ્ટ અને ત્રીજા ક્રમે સરકેલી દક્ષિણપંથી નેશનલ રેલીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. અનેક ઠેકાણે આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી. પેરિસમાં 30 હજાર પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. વૈચારિક દૃષ્ટિએ વહેંચાયેલા ફ્રાન્સમાં રાજકીય અવરોધની સ્થિતિ સર્જાઈ છે.
ફ્રાન્સના સંસદીય ચૂંટણીના બીજા ચરણના પરિણામ આવ્યા પછી દક્ષિણપંથી નેશનલ રેલી (આરએન) પાર્ટીના મુખ્યાલય પર સન્નાટો છવાયો છે. વળી, બીજી તરફ પ્રથમ ચરણમાં બીજા સ્થાને રહેનાર ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ)ના કાર્યકર્તા વધારે જુસ્સામાં છે. તેમની રણનીતિ અને યોગ્ય તાલમેલથી ન માત્ર નેશનલ રેલી પાર્ટીને બહુમત મેળવતા અટકાવી પરંતુ તે પાર્ટીને ત્રીજા સ્થાને પહોંચાડી દીધી હતી. યુરોપિયન સંસદ માટેના વોટિંગમાં દક્ષિણપંથી નેશનલ પાર્ટીને બહુમત મળ્યા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તા.9 જૂને સંસદીય ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. પરંતુ એવું તો શું થયું કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં સૌથી આગળ રહેનારા દક્ષિણપંથી સંસદીય ચૂંટણીના બીજા તબક્કાના પરિણામ આવતાં આવતાં બધાથી પાછળ પડી ગયા હતા.