પશ્ચિમ બંગાળમાં એક મહિલાને બેરહેમીથી મારવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ચાર પુરુષ એક મહિલાને હાથ-પગથી પકડી રાખે છે, જ્યારે બે પુરુષ મહિલાને લાકડી વડે મારતા જોવા મળે છે. આ દરમિયાન મહિલા ચીસો પાડે છે, પરંતુ આરોપીઓ તેને મારવાનું બંધ કરતા નથી.
સોશિયલ મીડિયા પર શેર આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના કમરહાટી જિલ્લાના અરિયાદહા ઇઝાકેના તાલતાલા ક્લબમાં બની હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને મારનાર મુખ્ય આરોપી જયંત સિંહ છે, જે TMC ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી છે, જે વિસ્તારમાં સોપારી લેવા (પૈસા માટે લોકોની હત્યા) માટે જાણીતો છે.
આ વીડિયો 8 જુલાઈના રોજ સામે આવ્યો હતો, જેના વિશે બંગાળના બેરકપુરની પોલીસે કહ્યું હતું કે આ એક જૂનો વીડિયો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ અંગે પોલીસે જાતે જ નોંધ લીધી છે અને ગુનો નોંધ્યો છે. વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે આરોપી પહેલાંથી જ પોલીસ કસ્ટડીમાં છે.