પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને જર્મનીની સાથે સાથે અનેક અરબ દેશોમાં પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય ચુસ્ત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન હિજ્બ-ઉત-તહરીરે હવે ભારતમાં પ્રવેશ કર્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં તેની હિલચાલ જોવા મળી છે. સૂત્રોનુસાર, આ સંગઠનની હિલચાલથી મળેલાં તથ્યોએ સુરક્ષા એજન્સીઓને ચિંતામાં મૂકી છે. પેલેસ્ટાઇનમાં બનેલા આ સંગઠને ભારતને એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે આતંકનો એક અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો છે. જેમાં જૈવિક હથિયાર બનાવવાની તાલીમ પણ સામેલ છે. તેના માટે સંગઠન મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને યુપીમાં સિક્રેટ વર્ગો પણ ચલાવે છે. NIAએ આ સંદર્ભમાં એક કેસ પણ દાખલ કર્યો છે.
તાજેતરમાં જ સંગઠન સાથે જોડાયેલા અબ્દુલ રહેમાન અને મજબૂર રહેમાનની તમિલનાડુના તંજાવુરથી ધરપકડ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન NIAને આતંકનો અભ્યાસક્રમ અને સિક્રેટ વર્ગોની જાણકારી મળી હતી.