સતત પાંચ દિવસથી પડતા વરસાદ બાદ ઉત્તરાખંડમાં વારંવાર ભૂસ્ખલનને કારણે 200 માર્ગ બંધ છે. સૌથી ખરાબ સ્થિતિ બદ્રીનાથ રૂટ પર છે, અહીં 22 સ્થળે ભૂસ્ખલનથી ચારધામ યાત્રા માર્ગ 3 દિવસથી બંધ છે.
NDRF, સૈન્ય, NTPCના કર્મચારી જ્યારે પણ ઑલ વેધર રોડ પરથી કાટમાળ હટાવે છે, ત્યારે પહાડનો હિસ્સો ફરી પડે છે. સ્થિતિ એ છે કે 25 કિ.મીમાં અનેક જગ્યાએ રસ્તો વારંવાર બંધ થઇ રહ્યો છે. તેને કારણે અંદાજે 4 હજાર શ્રદ્ધાળુ જોશીમઠની આસપાસ માર્ગ પર બેઠા છે, કારણ કે અહીં હોમ સ્ટે અને હોટલોએ ભાડું લગભગ બમણું કરી દીધું છે.
બિહારના સમસ્તીપુરથી 26 લોકોએ જણાવ્યું કે હોટલ મોંઘી છે. અમે વધુ ભાડું ચૂકવી શકતા ન હોવાથી બે રાતથી માર્ગ પર જ છીએ. એ જ રીતે યુપીના સુલ્તાનપુરથી આવેલા શ્રીકાંત પાંડેએ જણાવ્યું કે બે પગલાં વધીએ છીએ ત્યાં ફરી ભૂસ્ખલનના સમાચાર આવે છે. હોટલ જવાની હિંમત નથી, એટલે જ માર્ગ પર છીએ. આવી સ્થિતિ બદ્રીનાથ રૂટ પર બંને તરફ છે. માર્ગો પર કારની લાંબી લાઇનો દૂરથી જ જોઇ શકાય છે. જોકે વહીવટીતંત્રની ટીમ ઝડપથી કાટમાળ હટાવી રહી છે. બદ્રીનાથમાં એક દિવસ પહેલાં પેટાચૂંટણી માટે મતદાન થયું હતું.