શહેરના દૂધસાગર રોડ પરના રબ્બાની કોમ્પ્લેક્સમાં રહેતા આધેડને દશ દિવસ પૂર્વે ઘવાયેલી હાલતમાં રિક્ષાચાલક સહિત બે શખ્સ ઘરે મૂકી ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આધેડની હત્યા કરવામાં આવ્યાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
રબ્બાની કોમ્પ્લેક્સમાં રહેતા મુસ્તાકભાઇ મોહમદભાઇ હેમનાણી (ઉ.વ.47) ગત તા.17ના સાંજે પોતાના ઘરેથી નીકળ્યા બાદ રાત્રે દશેક વાગ્યે મુસ્તાકભાઇને એક રિક્ષાચાલક તથા તેના મામાનો પુત્ર મન્સુર ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે લઇ ગયા હતા. મુસ્તાકભાઇને તેમના ઘરે પહોંચાડ્યા ત્યારે તેઓ સતત અપશબ્દ બોલતા હતા અને તા.18ના તેઓ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા અપાતા ઘરે લઇ જવાયા હતા અને ફરીથી તા.23ના તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું ગુરુવારે મૃત્યુ થયું હતું.