2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ખાનગી મેડિકલ કોલેજની 50% સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે. આશરે બે વર્ષ પહેલાં વડાપ્રધાને કરેલી જાહેરાત પ્રમાણે ખાનગી મેડિકલ કોલેજની ફી સરકારી જેટલી કરવાને બદલે ગુજરાત સરકારે એકદમ ઊલટો નિર્ણય કર્યો અને GMERS સેમિ ગવર્નમેન્ટ કોલેજની ફીમાં 50 ટકાથી વધુનો વધારો ઝીંકી દીધો છે. 08 માર્ચ-2022એ PMOના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી જાહેરાત કરાઈ હતી કે, ‘થોડા દિવસો પહેલાં જ સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે જેનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મળશે. અમે નક્કી કર્યું છે કે, પ્રાઈવેટ કોલેજમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લાગશે.
કોરોનાકાળ પછી તુરંત જ આ જાહેરાતથી દેશના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. બાદમાં આ અંગે નેશનલ મેડિકલ કમિશને પણ પરિપત્ર કર્યો હતો. એક આરટીઆઈના જવાબમાં નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું છે કે, ખાનગી મેડીકલ કોલેજની 50% સીટ પર સરકારી જેટલી જ ફી લેવાનો નિર્ણય વર્ષ 2022-23થી અમલી કરવામાં આવશે. જોકે બાદમાં આ નિર્ણય અમલી કરાયો ન હતો. વધારામાં ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીએ તાજેતરમાં જ તેની 13 કોલેજમાં એમબીબીએસની વાર્ષિક ટ્યૂશન ફી રૂ.3.50 લાખથી વધારી રૂ.5.50 લાખ કરી છે. એક જ વારમાં 57.14 ટકા ફી વધારો કરાતા એમબીબીએસના વિદ્યાર્થીએ સાડા 4 વર્ષના આ કોર્સ માટે રૂ. 24.75 લાખ ચૂકવવા પડશે.