કોડીનારથી 20 કિલોમીટર દૂર આવેલા ઘાંટવડ ગામમાં યંકુમતી(શિંગોડો) નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું ગુપ્ત નવરાત્રિના આઠમા નોરતે બપોરે 12:39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રી રુદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ગુરુદેવ પ્રેમભારતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે.
132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂલ આવેલું છે. ત્રિશૂલનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 બાય 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5 બાય 5નો કોલમ બનાવાયો છે. 3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું.