અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, તેમની બંને દીકરીઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે. શનિવારે લોસ એન્જલસમાં રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સંકળાયેલા ફંડ એકત્રીકરણ કાર્યક્રમમાં તેમણે આ વાત કહી. બરાક ઓબામાએ કહ્યું કે, તેમની પત્ની મિશેલ ઓબામા નથી ઈચ્છતા કે તેમની દીકરીઓ આ ક્ષેત્રમાં આવે. તેણે પોતાની દીકરીઓને આ માટે માનસિક રીતે તૈયાર કરી છે કે, રાજકારણ તેમના માટે નથી.
બરાક અને મિશેલ ઓબામાને બે પુત્રીઓ છે, માલિયા (ઉં.વ.25) અને સાશા (ઉં.વ.22). કાર્યક્રમમાં બરાક ઓબામાને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમની પુત્રીઓને તેમના પગલે ચાલતી જોવા ઈચ્છશે?
તેના જવાબમાં બરાક ઓબામાએ કહ્યું કે, મારે આ પ્રશ્નનો જવાબ આપવાની કોઈ જરૂર નથી. કારણ કે મિશેલે તેને બાળપણમાં જ કહ્યું હતું કે, રાજકારણમાં જવું એક પ્રકારનું ગાંડપણ હશે. તો આવું ક્યારેય નહીં થાય.