અનેકવિધ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ઇનોવેશન (નવીનતા) એ મુખ્ય ચાલકબળ બન્યું છે. કંપનીઓ સમયાંતરે નોંધપાત્ર પ્રોડક્ટ્સ, સેવા અને બિઝનેસ મૉડલ રજૂ કરે છે જેમાં લાંબા ગાળાના રોકાણકારો ગ્રોથ માટેની તકને ધ્યાનમાં રાખીને રોકાણ કરતા હોય છે. એટલે જ, સ્પર્ધાત્મક માર્કેટમાં આ પ્રકારની કંપનીઓમાં રોકાણ કરતા પહેલા તેની ખાસિયતો તેમજ રોકાણની અસરો અંગે અગાઉથી જાણવું તે સમજદારી ભર્યો નિર્ણય છે. કેટલીક કંપનીઓ વિશિષ્ઠ ખાસિયતો દર્શાવે છે, જે તેમને સ્પર્ધાત્મક માર્કેટમાં પણ અન્ય કંપનીઓથી અલગ તારવે છે. આ કંપનીઓ માર્કેટમાં બદલાવ તેમજ ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવાની સાથે સાથે જ સતત કંઇક નવીન અને સર્જનાત્મક આપવા માટે પ્રતિબદ્ધ રહે છે તેવું બંધન AMCના ઇક્વિટી હેડ મનીષ ગુનવાનીએ જણાવ્યું હતું.
ઇનોવેટિવ કંપનીઓ મોટા ભાગે માત્ર સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે ટેક્નોલોજી, બૌદ્ધિક સંપદા તેમજ નેટવર્કનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આગળ વધે છે. આ અનુકૂલનક્ષમતા તેમને માર્કેટની બદલાતી સ્થિતિ સાથે તાલ મિલાવવા તેમજ ઉભરતી તકોને અપનાવવા માટે સક્ષમ બનાવે છે, પરિણામે બિઝનેસમાં ઝડપી ગ્રોથ થાય છે અને મજબૂતી પણ વધે છે. તદુપરાંત, આ કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R & D) પર પણ નોંધપાત્ર રોકાણ કરે છે. તેઓ પ્રયોગ અને ઇનોવેશન માટે સ્ત્રોતની ફાળવણી કરે છે. આર એન્ડ ડી ખર્ચથી શરૂઆતમાં નફાકારકતાને અસર થાય છે, પરંતુ તે લાંબા ગાળાના ઇનોવેશન તેમજ ઝડપી આગળ વધતી ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધાત્મક રહેવા જરૂરી છે.