રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી શેઠ અમરચંદ માધવજી શેઠ દશા સોરઠિયા વણિક વિદ્યાલયની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે ગેરકાયદે મંજૂરી વગર બાંધકામ શરૂ કરતા વિવાદના મંડાણ થયા છે. ટ્રસ્ટીઓએ જગ્યામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યા બાદ દુકાનમાલિકે દાદાગીરી કરતા એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ટ્રસ્ટીઓએ આ મુદ્દે મહાનગરપાલિકાને પણ લેખિત ફરિયાદ કરી છે.
અમરચંદ માધવજી શેઠ વણિક વિદ્યાલયના ટ્રસ્ટીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 100 વર્ષ કરતા જૂના ટ્રસ્ટના આ બિલ્ડિંગમાં 35 વર્ષ પૂર્વે જયેશ ખખ્ખરે ટ્રસ્ટ પાસેથી ભાડાચિઠ્ઠી મેળવી રવિ પ્રકાશન નામે પેઢી શરૂ કરી હતી. થોડા મહિના પહેલા જયેશભાઇ ખખ્ખરનું નિધન થઇ જતા તેમના પુત્ર ચિરાગે દુકાન સંભાળી હતી અને ચિરાગ ખખ્ખરે ટ્રસ્ટીઓ પાસેથી કોઇજાતની મંજૂરી મેળવ્યા વગર અને તેમને જાણ કર્યા વગર અંદરની બાજુએ ગેરકાયદે રીતે બાંધકામ શરૂ કરી દીધું છે.