લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ તેમની ઓફિસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરી. તેઓ રવિવારે સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલ રાત્રે 8.30 વાગ્યે એજન્સી ઓફિસમાંથી બહાર આવ્યા.
કેજરીવાલનો આરોપ- તેઓ AAPને ખતમ કરવા માગે છે
કેજરીવાલે કહ્યું કે તેમણે CBI દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત લીકર કૌભાંડ બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. AAP એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરીએ. તેઓ AAPને ખતમ કરવા માગે છે પરંતુ દેશની જનતા અમારી સાથે છે. તેમણે લગભગ 56 સવાલે પૂછ્યા.
કેજરીવાલની પૂછપરછનો વિરોધ કરી રહેલા AAP ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. તેમને રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ લોકો નારા લગાવતા નજફગઢ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા.
દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન CBI ઓફિસમાં કેજરીવાલને છોડવા ગયા હતા. બાદમાં આ નેતાઓએ CBI ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પછી રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના કન્વીનર ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પણ હાજર હતા.