વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં શુક્રવારે દિલ્હી તરફથી રમતા 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ગુજરાત સામે 61 બોલમાં 77 રન બનાવ્યા હતા. બીજી તરફ, જયપુરમાં મુંબઈના રોહિત શર્મા ઉત્તરાખંડ સામે પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો. જ્યારે, રાજકોટમાં કેપ્ટન રિંકુ સિંહની સદીના સહારે ઉત્તર પ્રદેશે ચંદીગઢને 227 રનથી હરાવ્યું હતું.
બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ચાલી રહેલા ગ્રુપ-Dના મુકાબલામાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રિયાંશ આર્યા માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 બોલમાં 77 રન બનાવીને દિલ્હીને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. કેપ્ટન રિષભ પંત (79 બોલમાં 70 રન) અને હર્ષ ત્યાગીની (47 બોલમાં 40 રન) ઇનિંગ્સના જોરે દિલ્હીએ 254/9 નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગુજરાતની ટીમ 47.4 ઓવરમાં 247 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
જયપુરમાં રમાઈ રહેલા ગ્રુપ-Cના મુકાબલામાં ઉત્તરાખંડે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. આ મેચમાં રોહિત શર્મા ઇનિંગ્સના પહેલા જ બોલે આઉટ થયો હતો. ઉત્તરાખંડ સામે મુંબઈએ 50 ઓવરમાં સાત વિકેટે 331 રન બનાવ્યા હતા. મુશીર ખાન અને સરફરાઝ ખાને 55-55 રન બનાવ્યા હતા. જ્યારે, હાર્દિક તોમરે 82 બોલમાં અણનમ 93 રનની ઇનિંગ રમી હતી.
જવાબી ઇનિંગમાં ઉત્તરાખંડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 280 રન જ બનાવી શકી હતી. યુવરાજ ચૌધરીએ 96 અને જે સુચિતે 51 રન બનાવ્યા હતા. શાર્દૂલ ઠાકુર, ઓમકાર તરમાલે અને મુશીર ખાનને 2-2 વિકેટ મળી હતી.