GMERSની 13 મેડિકલ કોલેજમાં સરકારી તથા મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં ઘટાડો જાહેર કર્યો હતો. જોકે આ ઘટાડા છતાં પણ મેડિકલના અભ્યાસની સમગ્ર કોર્સની ફીમાં 14થી 32 ટકા સુધીનો વધારો યથાવત્ રહેશે. જૂની ફીની સરખામણીએ સરકારી ક્વોટામાં 14 ટકા જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 32 ટકા જેટલો ફી વધારો વિદ્યાર્થીઓના માથે નાંખવામાં આવ્યો છે. જેના વિરોધમાં રવિવારે શહેરના બહુમાળી ભવન પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોસ્ટર પ્રદર્શન કરી વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા હતા. વાલી અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, GMERS કોલેજોમાં ફી વધારા બાદ ઘટાડો એ લોલીપોપ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું તબીબ બનવાનું સ્વપ્ન રોળાશે.
વિદ્યાર્થીઓને વાલીઓએ કહ્યું હતું કે, આ બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલુ જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે, દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં 50% સીટ સરકારી ફીના ધોરણ મુજબ ભરવાની રહેશે. જેનો હાલ ક્યાંય અમલ થતો હોય તેવું દેખાતું નથી. જેથી વડાપ્રધાન સમક્ષ અમારી અપીલ છે કે જે કંઈ પણ પ્રયત્ન કરવો પડે તે કરવામાં આવે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે તો કોલેજમાં સીટ વધારવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે. જેથી દરેક વિદ્યાર્થીઓને તેની મહેનત મુજબ ન્યાય મળી રહે અને સમાજને સારા તબીબો મળે. વાલીઓની માગણી છે કે અગાઉ જેટલી ફી હતી તેટલી જ રાખવામાં આવે.