શહેરમાં પોલીસના કહેવાતા ચુસ્ત પેટ્રોલિંગ વચ્ચે લુખ્ખાઓ બેકાબૂ બન્યા છે. માંડાડુંગર પાસેના માનસરોવર મેઇન રોડ પર બેકરીમાં ધમાલ મચાવી વેપારી પર હુમલાે કરી તોડફોડ કરનાર ત્રણ શખ્સ સામે આજી ડેમ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા મથામણ કરી હતી.
સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને માંડાડુંગર પાસે સમ્રાટ બેકરી ચલાવતા રવિરાજસિંહ અશોકસિંહ ઝાલા (ઉ.25)એ ફરિયાદ કરી હતી. જેમા ત્રણ અજાણ્યા શખ્સના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે બપોરે તેની બેકરી પાસે તેની પાનની દુકાને હતા ત્યારે તેની બેકરીમાં કામ કરતો ગુલામ હુશેન પાસે એક શખ્સ કેક લેવા આવ્યો હતો અને કેક બતાવ્યા બાદ તે પૈસા બાબતે માથાકૂટ કરતો હોય જેથી દેકારો થતા તે બેકરીએ ગયા હતા અને તેને સમજાવવા જતા તેની સાથે ઝઘડો કરી નાસી ગયા બાદ તેની સાથે અન્ય બે શખ્સ ધોકા સાથે ધસી આવી ત્રિપુટીએ ધમાલ મચાવી બેકરીમાં ફ્રીઝ સહિતમાં તોડફોડ કરી રવિરાજસિંહ પર હુમલો કરતા લોકો એકઠા થઇ જતા ત્રિપુટી નાસી ગઇ હતી. ત્યાર બાદ તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.