રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ કોલેરા દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જે પાણી બાંધકામ સાઈટ પર વાપરવાનું હતું તેનો ઉપયોગ દર્દીએ પીવામાં કરતા સ્થિતિ બગડી હોવાનું ધ્યાને આવ્યું હતું. દર્દી સિવાય બીજા બે સાથીમાં પણ લક્ષણો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.
રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ઝાડાની ફરિયાદ સાથે 45 વર્ષના યુવાનને બેશુદ્ધ હાલતમાં દાખલ કરાયો હતો. જોકે તેની બીમારી સામાન્ય ન લાગતા વિવિધ રિપોર્ટ કરવા નિર્ણય લેવાયો હતો. ડો. અર્ચિત રાઠોડે જણાવ્યું હતું કે, દર્દીને લક્ષણો દેખાયા હતા અને 7થી 8 કલાકમાં જ બેશુદ્ધ બનતા હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા હતા. તપાસમાં બ્લડપ્રેશર અત્યંત ઘટી ગયાનું અને કિડની પર સોજા માલૂમ પડ્યા હતા. આ અસર કોલેરામાં જોવા મળે છે બીજી તરફ કોલેરા હવે લગભગ નાબૂદી પર છે આમ છતાં શંકાને આધારે રિપોર્ટ કરાતા કોલેરાનું નિદાન થયું છે.
આ કેસ મામલે મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, દર્દી કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર મજૂરી કરે છે. સાઈટ પર ઉપયોગ કરવા માટે અલગ અલગ ટેન્કરથી પાણી પહોંચાડાય છે અને તે પાણીનો ઉપયોગ દર્દીએ કરતા તબિયત બગડી છે. માહિતી મળતા ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી.