રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે. એપ્રિલ મહિનામાં મે અને જૂન મહિના જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. રાજકોટ શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી સૂર્યનારાયણ કોપાયમાન બનતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય રાજકોટવાસીઓ અંગ દઝાડતી ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટમાં માત્ર 6 જ કલાકમાં શહેરનું તાપમાન 9.8 ડિગ્રી વધી ગયું હતું. સવારે 8.30 વાગ્યે 33.2 ડિગ્રી હતું, બપોરે 2.30 કલાકે વધીને 43 સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં 40થી 44 ડિગ્રીની આસપાસ ગરમી રહેવાની આગાહી કરી છે. બુધવારે સતત ચોથા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં ગરમીનો પારો મહત્તમ 43.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.
આ ઉપરાંત રાજ્યના 10 શહેરનું તાપમાન આજે 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું. એપ્રિલના અંતમાં હવામાન વિભાગે હાલ જે તાપમાન છે તેમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. રાજકોટમાં બપોરે હવામાં ભેજ 20 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. બુધવારે સવારથી જ સૂર્યદેવે આકરો મિજાજ દાખવ્યો હતો અને સવારે 8.30 કલાકે જ રાજકોટનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે લઘુતમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાયું હતું અને સવારે હવામાં ભેજ 47 ટકા રહ્યો હતો તથા પવનની સરેરાશ ઝડપ 12 કિ.મી. રહેવા પામી હતી.
આકરા તાપના કારણે બપોરના સમયે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળતા જાણે માર્ગો પર કુદરતી કર્ફ્યૂ લાદ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગરમીના પ્રકોપથી રાહત મેળવવા ઠંડાપીણા અને આઈસક્રીમ તથા બરફ ગોળાની લારીઓ પર ભીડ જોવા મળે છે. કેટલાકે એસી અને પંખાના ધમધમાટ તળે જ ઠંડકમાં રહેવાનું મુનાસિબ માન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.