Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણના બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી શકે તેમ છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. છતાં તંત્ર ઘોરનિદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 1998 માં બનેલા આ પુલનું થોડા મહિના પહેલા જ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેચવર્ક કામ કરાયું હતું. જે વરસાદમાં ધોવાઈ જતા હાલ આ પુલના સળિયા દેખાવા લાગ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાતો જ નથી.


ભૂતકાળમાં અનેક જગ્યાએ પુલ ધરાશાયી થયાની ઘટના બનેલી તે હજુ લોકો ભૂલ્યા નથી. આ પુલ બન્યો તેના પણ 20 વર્ષ કરતા વધુ વર્ષો થઈ ચુક્યા છે અને આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વેને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને જાણે કે નોતરું આપી રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે.

આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે માત્ર થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે.જેથી આ પુલ અકસ્માતે ધરાશાયી થાય અને જાનમાલની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની તાતી જરૂર છે. જો આ પુલ તુટશે તો મોટો ગોજારો અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે અકસ્માતમાં કોઈનો જીવ જશે ત્યારે તંત્ર સહાય દેવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા દોડશે તેના કરતા હજુ સમય છે.