કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા. મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા.
અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. 116 હોસ્પિટલમાં છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. બચાવકાર્ય માટે આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમો સ્થળ પર હાજર છે. સેનાએ મોડી રાત સુધી 1 હજાર લોકોને કાટમાળમાંથી બચાવ્યા છે. રાત્રી હોવાથી બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. સવારે ફરી શરૂ કરવામાં આવશે.
સતત વરસાદને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનો વાયનાડ પ્રવાસ રદ કર્યો છે. તેઓ અહીં પીડિતોને મળવાના હતા.
કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેમને કોઝિકોડ પરત ફરવું પડ્યું હતું.