સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. પોલીસતપાસમાં પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે માંગરોળના ડીવાયએસપી બી.કે.વનારે જણાવ્યું હતું કે, બંને વચ્ચે શાળા સમયથી મિત્રતા હતી. કોઈ કારણસર બંને જગ્યા ઉપર મળ્યા હતા. તેઓની વચ્ચે અણબનાવ બનતા જે યુવતી છે તેના ગળા ઉપર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. આરોપી સુરેશે પણ પોતાના શરીર ઉપર ઇજાઓ કરી છે. પોતાના ગળા પર છરીના ઘા કર્યા છે. હાલ તે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. તેજસ્વીનીબેનનું સ્થળ ઉપર મોત નીપજતા તેઓના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સ્થળ ઉપર પહોંચી એફએસએલ ઓફિસર સાથે પંચનામું કરવામાં આવ્યું છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી છે. યુવતીના પિતા દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુવતી એન.ડી.દેસાઈ કોલેજમાં ભણતી હતી. પહેલા સુરેશ વાડી ખાતે રહેતો હતો અને શિફ્ટ થઈને કડોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેવા ગયો હતો. યુવતી અને પોતાના મિત્રોને મળવા માટે એક દિવસ પહેલા જ તે આવ્યો હતો તેવી માહિતી મળી છે. બંને વચ્ચે અણ બનાવ હતો તે અંગેની હાલ પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે.