એકાદ વર્ષમાં રાત કરતાં દિવસે પંખા-એસી ચાલુ રાખવાનું સસ્તું પડશે કારણ કે કેન્દ્ર સરકારે વીજદરમાં ફેરફાર કર્યો છે તે પ્રમાણે દિવસે વીજળી સસ્તી પડશે અને રાત્રે મોંઘી. આ સિવાય પણ બીજો એક ફેરફાર કર્યો છે. ટાઇમ ઑફ ડે (ટીઓડી) ટેરિફ હેઠળ દેશભરના વીજવપરાશકારો પાસેથી સમય પ્રમાણે દર વસૂલાશે. એટલે કે દિવસના ચોવીસેય કલાક વીજદર એકસરખા નહીં રહે. જુદા જુદા સમયે તેના દર બદલાશે. ફેરફાર પ્રમાણે સૌરકલાકો (દિવસના 8 કલાક)નો દર સામાન્ય દર કરતાં 10થી 20% ઓછો રહેશે જ્યારે પિક અવર્સ (વ્યસ્ત સમય)માં દર 10થી 20% વધારે રહેશે.
10 કિલોવૉટ અને વધુ વીજમાગ ધરાવતા વાણિજ્યિક વપરાશકારો માટે ટીઓડી પ્લાન એપ્રિલ, 2024થી લાગુ થશે. ખેતી સિવાયના અન્ય વપરાશકારો માટે આ દર પરિવર્તન એપ્રિલ, 2025થી લાગુ થશે.આ માટે સ્માર્ટ મીટર લગાડવું પડશે. ત્યાર પછી તરત ટીઓડી સો જ બિલિંગ શરૂ થઈ જશે. બીજું પરિવર્તન સ્માર્ટ મીટરિંગ નિયમોના સરળીકરણ સાથે સંકળાયેલું છે. વપરાશકારોને હેરાનગતિથી બચાવવા માટે નિર્ધારિત કરાયેલા મહત્તમ લોડથી વધુ લોડ લેવા સામેના દંડની રકમ ઘટાડી દેવાઈ છે.
વ્યસ્ત, સૌર અને સામાન્ય કલાકો માટેના દર જુદા જુદા
વીજદરની નવી વ્યવસ્થા વપરાશકારોની સાથેસાથે વીજવ્યવસ્થા માટે પણ ફાયદાનો સોદો રહેશે. તેમાં વ્યસ્ત કલાકો, સૌર કલાકો અને સામાન્ય કલાકો માટે જુદા જુદા દર છે. વપરાશકારો જાગરુકતા અને જરૂરિયાત પ્રમાણેના વીજવપરાશથી બિલની રકમ ઘટાડી શકશે. દિવસે વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરાતો હોય છે અને એ સસ્તી હોવાથી દર ઓછા થશે. » આર. કે. સિંહ, કેન્દ્રીય ઊર્જામંત્રી