છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર નેશનલ પહેલવાન સાગરની હત્યા કરવાના આરોપમાં જેલમાં બંધ બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમાર સહિત અન્ય 20 લોકોની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય ગુનાઓના આરોપો ઘડવામાં આવી શકે છે. સુશીલ સહિત 18 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે આ કેસમાં હજુ 2 આરોપીઓ ફરાર છે. હકીકતમાં, ગત વર્ષે 4 એપ્રિલે છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. જેમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા હતા. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને અન્ય 2 કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. સાગરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. આ કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર મુખ્ય આરોપી હતો. પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરી હતી.
વર્ષ 2019માં 10 ડિસેમ્બરે સુશીલે તેની પત્ની સવિ સોલંકીના નામે દિલ્હીના મોડલ ટાઉનમાં 90 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. સુશીલ કુમારે ફ્લેટ નંબર B 10/6 ખરીદ્યા બાદ તેને 40 હજાર રૂપિયા પ્રતિ માસના ભાડા પર આપ્યો હતો. આ ફ્લેટમાં રેસલર સાગર ધનખર, સોનુ, ભક્તુ અને અમિત ભાડે રહેતા હતા. ભક્તુ અને અમિતને છત્રસાલ સ્ટેડિયમમાં રૂમ પણ મળ્યો હતો. ફેબ્રુઆરી 2020માં, સાગરનો તેના પાડોશીઓ સાથે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. પાડોશીઓએ સુશીલને ફોન કરીને બધી વાત જણાવી હતી. સુશીલે સાગરને તરત જ ફ્લેટ ખાલી કરવા કહ્યું હતું, પરંતુ સાગરે તેમ કર્યું નહોતું.
સુશીલે તેના સાથી અજય અને રઘુવીરને ફ્લેટ ખાલી કરાવવા મોકલ્યા હતા. બન્નેએ ત્યાં પહોંચીને સાગરને કહ્યું હતું કે, જૂનું ભાડું ભરીને આ ફ્લેટ ખાલી કરી દેવાનું જણાવ્યું હતું. સાગરે ના પાડી અને કહ્યું, બાદમાં ફ્લેટનો વિવાદ વધતાં સાગરે ફેબ્રુઆરીમાં તેને ખાલી કરી દીધો હતો અને મોડલ ટાઉનની એમ 2/1 બિલ્ડિંગમાં ચોથા માળે ફ્લેટ લીધો હતો.