શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક પાસેના બીઆરટીએસ રૂટ પર મહિલા પગપાળા રોડ ક્રોસ કરવા જતા બેકાબૂ બસે ઠોકરે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજતા માલવિયાનગર પોલીસે બસચાલક સામે બેફિકરાઈથી બસ ચલાવી મૃત્યુ નીપજાવવા અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ રોડ નજીક ખોડિયારનગરમાં રહેતા સોનલબેન ઘુઘાભાઇ (ઉ.35) બપોરે તેના ઘરેથી પગપાળા ઘરકામ કરવા જતા તે દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા નજીક બીઆરટીએસ રૂટ પર પગપાળા રોડ ક્રોસ કરવા જતા બેકાબૂ બસની ઠોકરે ચડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના જમાદાર સોનુબેન મુળિયા સહિતના સ્ટાફે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું અને પતિ રિક્ષા ચલાવતા હોય. તેની સાથે મૃતક સોનલબેન પણ પારકા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ રૂપ થતી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં ગુરુવારે બપોરે ઘરકામ કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જણાવતા પીઆઇ દેસાઇ સહિતે સીસીટીવી સહિતની તપાસ કરી બસચાલક સામે બીઆરટીએસ પર બેફિકરાઈથી બસ ચલાવી મહિલાનું મૃત્યુ નીપજાવ્યા અંગેનો રાત્રે ગુનો દાખલ કર્યો હતો.