ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે અને મહાનગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ્યાં પાઇપલાઇનથી પાણી આપી શકાતું નથી ત્યાં ટેન્કરો દોડાવવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમાં પણ વહાલા-દવલાની નીતિ અખત્યાર કરાયાનું બહાર આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માથાદીઠ 75 લિટર પાણી દૈનિક આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજીબાજુ રૂડાએ ડેવલપ કરેલા ગામડાંઓની સોસાયટીમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા માથાદીઠ દૈનિક 30-30 લિટર જ પાણી આપવામાં આવી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી દ્વારા વોર્ડ નં.4, 5, 15, 6, 16 અને 18માં દૈનિક 12 હજાર લિટરના 5 અને 5 હજાર લિટરના 167 ટેન્કરના ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દરરોજ 12000 લોકોને 8.95 લાખ લિટર પાણી વિતરણ કરાઇ રહ્યું છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન દ્વારા વોર્ડ નં.3માં આવેલી સોસાયટીઓમાં એકાંતરા 10 હજાર લિટરના 60 ટેન્કરના ફેરા અને 5000 લિટરના 130 ટેન્કરના ફેરા દ્વારા સવા ડઝનથી વધુ સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનમાં માથાદીઠ 75 લિટર પાણી ગણીએ તો લગભગ એકાંતરા 8400 લોકોને 12.50 લાખ લિટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1, 9, 11 અને 12ની 19થી વધુ સોસાયટીમાં અંદાજે 1987 મકાનોમાં એકાંતરા 9.52 લાખ લિટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બીજીબાજુ રાજકોટની ભાગોળે આવેલા તાલુકાના ગામોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે અને રૂડાએ ડેવલપ કરેલા ગામોમાં પાણીની સુવિધાની વ્યવસ્થા ન કરતાં અંતે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરોના ફેરા શરૂ કરાયા છે. જેમાં ખોખડદળમાં દરરોજ 5-5 હજાર લિટરના 12 ટેન્કરના ફેરા દ્વારા 60 હજાર લિટર પાણી આપવામાં આવી રહ્યું છે અને 2000 લોકોને દૈનિક 30-30 લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે મહિકા ગામમાં 1લી મેથી જ દરરોજના 5-5 હજાર લિટરના 24 ટેન્કરના ફેરા દ્વારા 1.20 લાખ લિટર પાણી આપવાનું શરૂ કરાયું છે અને 4000 લોકોને દૈનિક 30-30 લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં અન્ય ગામોની જે પ્રકારે ડિમાન્ડ આવશે તે પ્રમાણે પાણી વિતરણ માટે ટેન્કરના ફેરા શરૂ કરાશે.