સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ (Mpox)ના વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથે દેશના તમામ બંદરો, એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓમાં મંકીપોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીની ત્રણ મોટી કેન્દ્રીય હોસ્પિટલો - રામ મનોહર લોહિયા, સફદરજંગ અને લેડી હાર્ડિંગમાં નોડલ કેન્દ્રો બનાવ્યા છે. મંકીપોક્સના દર્દીઓની સારવાર અને સંભાળ માટે આ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને તેમના રાજ્યોની હોસ્પિટલોમાં મંકીપોક્સના દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીના મૂલ્યાંકન મુજબ મોટા પાયે મંકીપોક્સ ફેલાવાનું જોખમ ઓછું છે.