ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (1 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદના ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના 11 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, હાલમાં એક ડિપ્રેશન ઓરિસ્સાના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે, જે ધીમે-ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. હાલમાં તે ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ સક્રિય થશે, જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.