વાગુદળ પાસે આવેલા આશ્રમના મહંત અને તેમના ત્રણ શિષ્યએ સોમવારની રાત્રે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે બે સ્થળે રસ્તો રોકી, જાહેરમાં ગાળાગાળી કરી, હાથમાં ખુલ્લી ફરસી રાખી રીતસરનો આતંક મચાવી દીધો હતો. જીએસટીના અપીલ કમિશનરની કારનો પાછળનો કાચ ધોકો મારીને તોડી નાખતા એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી મહંત સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા એક શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એ ડિવિઝન પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટથી 30 કિલોમીટર દૂર આવેલા વાગુદળ આશ્રમના મહંત યોગી ધર્મનાથજી તેમના ત્રણ શિષ્ય પ્રવિણ વાઘજી મેર, ચિરાગ પ્રવીણ કાલરિયા અને અભિષેકને સાથે લઈને રાજકોટમાં રામનાથપરામાં આવેલા રામનાથ મહાદેવના દર્શન કરીને સોમવારે રાત્રીના પરત વાગુદળ જઈ રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે મહંતની બ્રેઝા કાર નં.જીજે 3 એનપી 1980 પહોંચી હતી અને રોંગ સાઈડમાં બ્રિજની અંદરથી આગળ જવાની કોશિશ કરી હતી. જોકે આ સમયે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી જીજે 10 ડીજે 4786 નંબરની ઈનોવા કાર સામેથી આવી હતી ત્યારબાદ મહંત અને તેના શિષ્યો કારમાંથી નીચે ઉતર્યા હતા અને ઈનોવાના ચાલકને કાર રિવર્સમાં લેવા કહ્યું હતું. જોકે પાછળ ટ્રાફિક હોવાથી ઈનોવાનો ચાલક કાર પાછી લઈ શક્યો ન હતો અને મહંતની કાર રોંગ સાઈડમાં જવા માગતી હોવાથી આમ ન કરવા મહંત અને તેમના શિષ્યોને ઈનોવા કારના ચાલકે સમજાવ્યા હતા.