દેશના 74% એટલે કે દર 4માંથી 3 લોકો આગામી વર્ષ સુધીમાં તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. લગભગ બે તૃતીયાંશ લોકોએ દાવો કર્યો હતો કે તેઓ આગામી વર્ષમાં વધુ (66%) બચત કરી શકશે અને વધુ (66%) રોકાણ કરી શકશે. કન્ઝ્યુમર ફાઇનાન્સ પ્રોવાઇડર હોમ ક્રેડિટ ઇન્ડિયાના બીજા વાર્ષિક કન્ઝ્યુમર સર્વેમાંથી આ માહિતી સામે આવી છે. જેમાં મહત્વની નાણાકીય બાબતો પર ગ્રાહકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
આ સરવે દેશના 17 શહેરોમાં કરવામાં આવ્યો હતો. તેમાં દિલ્હી-NCR, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, લખનૌ, જયપુર, ભોપાલ, પટના, રાંચી, ચંદીગઢ, દેહરાદૂન, લુધિયાણા અને કોચી જેવા શહેરોનો સમાવેશ થાય છે.
સરવેમાં 52% ગ્રાહકોએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમની આવકમાં વધારો થયો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં આ ઉછાળો અર્થતંત્રમાં આવકની વૃદ્ધિની સંભાવના અને આવક વૃદ્ધિ પરના હકારાત્મક સેન્ટિમેન્ટને કારણે છે.