સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને છેતરતા હોય છે. આવું જ કંઇક શહેરના કારખાનેદાર સાથે બન્યું હતું. નાઇજિરિયન ગવર્નમેન્ટના નામે ગઠિયાઓએ 31 કરોડના માલનો ઓર્ડર આપી કારખાનેદાર પાસેથી ડિપોઝિટ સહિતના નામે કટકે કટકે રૂ.2.18 કરોડ પડાવ્યા હતા.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા અને ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં સામુ ઇન્ડસ્ટ્રીઝ નામે કિચનવેરનું મેન્યુફેક્ચરિંગ કરતા કારાખાનેદાર ચમનલાલ હરખાભાઇ બોરાણિયા (ઉ.વ.68)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચમનલાલ બોરાણિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5 જૂનના તેમના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે ચમનલાલની કંપની જે વસ્તુ બનાવે છે તેનો ઓર્ડર આપવો છે તેમ કહી પોતાની ઓળખ નાઇજિરિયન ગવર્નમેન્ટના વિલિયમ ફેંક તરીકે આપી હતી. ગઠિયાએ એવી વાત કરી હતી કે, નાઇજિરિયન સરકારને 31 કરોડનો કિચનવેરનો સામાન ખરીદવાનો છે.
કરોડો રૂપિયાનો ઓર્ડર મળવાની વાત આવતા કારખાનેદાર ચમનલાલ તેમની વાતમાં ફસાયા હતા અને વાર્તાલાપ આગળ વધારતા ગઠિયાઓએ સિક્યુરિટી પેટે તેમજ અલગ અલગ ટેક્સના નામે ચમનલાલ પાસેથી અલગ અલગ રકમ અલગ અલગ બેંકમાં ભરપાઇ કરવાનું કહ્યું હતું. કરોડોનો ધંધો મળવાની લાલચમાં ચમનલાલે 36 આર્થિક વ્યવહારમાં રૂ.2,18,00,488 જમા કરાવ્યા હતા. આટલી મોટી રકમ જમા કરાવ્યા બાદ પણ ઓર્ડર નહીં મળતાં અંતે ચમનલાલે સાયબર ક્રાઇમ પોલીસનું શરણું લીધું હતું. સાયબર ક્રાઇમ પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે ગુનો નોંધતા પીઆઇ ઝનકાંત સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી.